For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Valsad ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંકનાં ગ્રાહકોને માઇક્રો ATM થકી 24x7 બેંકીંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે

04:08 PM Jun 12, 2024 IST | Satya Day News
valsad ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો ઓ બેંકનાં ગ્રાહકોને માઇક્રો atm થકી 24x7 બેંકીંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે

Valsad: વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.ની ૫૯મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના ગ્રાહકો માટે ગ્રાહકલક્ષી અભિગમ અપનાવતા બેંકના ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલે ઉપસ્થિત મંડળીઓનાં પ્રતિનિધિઓ અને સહકારી અગ્રણીઓને સંબોધતા જણાવ્યું હતું કે, બેંકનાં ગ્રાહકોને માઇક્રો ATM થકી ૨૪X૭ બેંકીંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement

કેન્દ્ર અને ગુજરાત સરકારનાં સહકાર ખાતા દ્વારા લોન્ચ કરવામાં આવેલા સહકારી સુત્ર, સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર, સહકારથી સમૃધ્ધિનાં અભિગમને બેંક દ્વારા અપનાવવામાં આવ્યો છે. ગરીબ અને અંતરીયાળ વિસ્તારમાં વસતા બેંકનાં ગ્રાહકોને નાણાંની લેવડ-દેવડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે એ માટે ગ્રાહકોનાં ઘરઆંગણે બેંકીંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનાં પ્રયાસોનાં અમલની શરૂઆત આગામી દિવસોમાં જોવા મળશે. સાથે જ જ્યાં બેંકની શાખાઓ નથી, તેવા અંતરીયાળ વિસ્તારોમાં ગ્રાહકોને સુવિધા ઉપલબ્ધ કરાવવાનાં ભાગરૂપે જરૂરી મંજુરી મેળવી માઇક્રો એ.ટી.એમ./એ.ટી.એમ. મશીન પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

બેંકની સાધારણ સભામાં ઉપસ્થિત સહકારી દિગ્ગજોને સંબોધતા વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.નાં ચેરમેનશ્રી અંરવિંદભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગ્રામ્ય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન સહકારી ક્ષેત્રને સશક્ત કરવા એક ક્રાંતિકારી નિર્ણય લેતા સહકારથી સમૃધ્ધિની પરિકલ્પનાને પૂર્ણ કરવા સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે, અને સહકાર મંત્રાલયનું સુકાન સહકારી ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા માનનીય શ્રી અમિતભાઇ શાહ સાહેબને સોંપવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને મજબૂતાઇ આપવા માટે સહકાર મંત્રાલય દ્વારા ૫૪ જેટલા ઇનીસીયેટીવ હાથ ધરવામાં આવ્યાં છે. જેમાંથી મુખ્યત્વે ઘણી યોજનાઓ સેવા સહકારી મંડળી માટે શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રીટેઇલમાં પેટ્રોલ-ડીઝલ વિતરણ, જનઔષધી કેન્દ્ર, LPG ગેસ વિતરણ, કોમન સર્વિસ સેન્ટર, ગોડાઉન બાંધકામ જેવી અસંખ્ય યોજનાઓનો શુભારંભ કરી મંડળીઓની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી, મંડળીની આવકમાં વધારો કરવાનાં પ્રયાસો સરકારે અમલમાં મુક્યાં છે. જેનો મોટા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Advertisement

ત્રિસ્તરીય સહકારી માળખાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે પેક્સ કોમ્પ્યુટરાઇઝેશનની યોજના હેઠળ પ્રથમ વર્ષમાં ૫૧ મંડળીઓ જ્યારે બીજા વર્ષમાં ૪૪ મંડળીઓ સાથે ૯૫ મંડળીઓને આધુનિકરણનાં ભાગરૂપે કોમ્પ્યુટર અને તેનાં સાધનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યાં છે. જે માટે આપણે નાબાર્ડ, સહકાર મંત્રાલય, ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લિ. અને રજીસ્ટ્રાર કો.ઓ. સોસાયટી, ગાંધીનગરનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારત સરકારશ્રીનાં સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબનાં માર્ગદર્શન હેઠળ તમામ સહકારી મંડળીઓ, ખેડૂતો અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ તેમના કુટુંબીજનોનાં તમામનાં નાણાંકીય વ્યવહારો સહકારી બેંકો મારફતે જ થાય તે માટે રાજ્યમાં બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેની સફળતાને ધ્યાને લેતાં આ પાયલોટ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાત રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ થકી આપણી બેંકમાં ૧૭૦૦૦ થી વધુ ખાતાઓ ખોલવામાં આવ્યા છે.

બેંકના કાર્યવિસ્તાર સમાવિષ્ટ ૧૧૦૮ દૂધ મંડળીઓનાં ૮૨,૦૦૦ દૂધ ભરતાં સભાસદો આપણી બેંક સાથે સાંકળવામાં આવશે. ત્યારે પાયલોટ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સભાસદોને તેમના ઘરઆંગણે બેંકીંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. સાથે જ દૂધ મંડળીઓને બેંક મિત્ર તરીકે નિમણૂંક કરી માઇક્રો એ.ટી.એમ. અને જરૂર પડ્યે એ.ટી.એમ.ની સુવિધા ઉપલબ્ધ કરાવવા સબબનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે વસુધારા ડેરી દ્વારા આઇડેન્ટીફાય થયેલી ૫૮૩ દૂઘ મંડળીઓ માટે માઇક્રો એ.ટી.એમ. આપવાની કામગીરી કાર્યરત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમનો પણ શુભારંભ કરવામાં આવશે. ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લિ.નાં ચેરમેન શ્રી અજયભાઇ પટેલ સાહેબ વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.ની પ્રગતિ માટે સતત ચિંતીત છે અને પાયલોટ પ્રોજેક્ટની કામગીરી માટે ૩૫ જેટલા પોતાના કર્મચારીઓની ફાળવણી કરી બેંકના બિઝનેસને વધારવા અને પાયલોટ પ્રોજેક્ટને સફળતા બક્ષવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. જેમનો આપણે ખાસ આભાર માનવો રહ્યો.

સાધારણ સભાની કાર્યવાહી શરૂ થતાં બેંકનાં વાઇસ ચેરમેનશ્રી ગોવિંદભાઇ પટેલ, ડિરેકટર્સશ્રીઓ શ્રી મગનભાઇ પટેલ, હિતેશભાઇ પટેલ, પંકજભાઇ પટેલ, મંગળભાઇ ગાંવિત, કિશોરભાઇ પટેલ, વનમાળીભાઇ બારીયા, પરિમલભાઇ પટેલ, રઘુભાઇ ગાંવિત, અંબેલાલ પટેલ સહિતનાંઓએ સભાની કાર્યસુચિમાં ભાગ લઇ દરખાસ્ત અને ટેકો રજુ કરતા એજન્ડા મુજબનાં તમામ કામોને સર્વાનુમતે બહાલી મળતાં બેંકની સાધારણ સભામાં ઉપસ્થિત સૌએ સહકારી ભાવનાને ચરિતાર્થ કરી હતી. સાધારણ સભાની શરૂઆતમાં વિવિધ ક્ષેત્રમાં દિવંગત થયેલાં મહાનુભાવોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી રોહિતભાઇ પટેલે સ્વાગત પ્રવચન રજુ કરી બેંકે કરેલ પ્રગતિની ઝાંખી કરાવી કામગીરીનું વિઝન સાધારણ સભામાં રજુ કર્યું હતું. આ ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સભાસદોનાં એકાઉન્ટ ઓપન કરાવવા, મંડળીની રોજબરોજની કામગીરીની સમીક્ષા, ઓડીટ, ઇન્સ્પેકશન અંગે માર્ગદર્શન રજુ કરી સમગ્ર સાધારણ સભાનું સંચાલન સફળતાપૂર્વક કર્યું હતું.

સભાનાં અંતમાં બેંકનાં વાઇસ ચેરમેનશ્રી ગોવિંદભાઇ પટેલે જલાલપોર અને ચીખલી વિસ્તારમાં સમાવિષ્ટ નવસારી લોકસભા બેઠક ઉપરથી વિજય થયેલા ભાજપનાં પ્રદેશ પ્રમુખ અને સંસદ સભ્યશ્રી સી.આર.પાટીલ સાહેબને કેબિનેટ કક્ષાનો હોદ્દો પ્રાપ્ત થવા બદલ અભિનંદનનો પ્રસ્તાવ રજુ કરતા ઉપસ્થિત સૌએ આ પ્રસ્તાવને વધાવી લીધો હતો. તેમણે આભારવિધિનાં વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક લિ.ની સ્થાપના ૧૯૬૫ થી થયા બાદ બેંકે પડકારોનો સામનો કરવાનો વારો આવ્યો છે. આજે આપણે પ્રગતિનાં સોપાનો સર કરી રહ્યાં છે, એ આપ સૌનાં સહકારને આભારી છે, એમ જણાવી આભારવિધિ પૂર્ણ કરી હતી. સાધારણ સભાને સુપેરે પાર પાડવા માટે બેંકનાં કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ જહેમત અને પાયલોટ પ્રોજેક્ટ સહિતની કામગીરી અંગે બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર શ્રી રોહિતભાઇ પટેલે કર્મચારીઓને વખાણી એમની ફરજની કામગીરીને બિરદાવી હતી.

Advertisement
Tags :
Advertisement