For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Lok Sabha Election: લોકસભાની 18 ચૂંટણીઓની લોકશાહીનો ઇતિહાસ. દિલીપ પટેલ દ્વારા..

12:10 PM Mar 16, 2024 IST | દિલીપ પટેલ
lok sabha election  લોકસભાની 18 ચૂંટણીઓની લોકશાહીનો ઇતિહાસ  દિલીપ પટેલ દ્વારા

Lok Sabha Election: દેશમાં 18મી લોકસભાની ચૂંટણી 16 માર્ચ 2024માં બપોરના બપોરબાદ 3 વાગ્યે દેશનું ચૂંટણી પંચ જાહેર કરી રહ્યું છે.

Advertisement

ત્યારે 4 હજાર શબ્દોમાં 71 વર્ષની ભારતની ચૂંટણીનો ટૂંકો ઇતિહાસ કેવો છે તે સમજાય જાય તેવો છે. 18 ચૂંટણીઓએ ભારતના લોકોને કેવી મજબૂત લોકશાહી આપી છે તેની ઘટનાઓ છે.

ભારતીય લોકશાહીને વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવામાં આવે છે. આમાં ત્રણ સ્તરીય ચૂંટણીઓ છે જેમાં લોકસભા, વિધાનસભા અને શહેર કે ગ્રામ પંચાયતની સ્થાનિક સરકારની ચૂંટણી હોય છે.

Advertisement

1952થી 2024 સુધીની 71 વર્ષની ચૂંટણીઓની માહિતી જાણવાથી ભારતની લોકશાહી કેટલી મજબૂત છે તે સમજી શકાશે. જાણો લોકસભા ચૂંટણીનો ટૂંકો ઈતિહાસ...

સેંકડો રાજાઓ પોતાને અલગ દેશ ગણતાં હતા તેમને યોગ્ય રીતે મનાવીને ગાંધીજીના સાથી સરદાર પટેલે દેશોને એક કરીને હાલનું ભારત બનાવ્યું હતું. તે પહેલાં પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાન બન્યા હતા. સરદાર પટેલ ક્યારેય દેશના ચૂંટાયેલાં સાંસદ બન્યા ન હતા.

ભારતીય ચૂંટણીઓમાં, સ્પર્ધા મુખ્યત્વે કોંગ્રેસ, જનતા દળ અને ભાજપ વચ્ચે રહી છે. સમયાંતરે ઘણા નવા પ્રાદેશિક પક્ષો પણ બન્યા, પરંતુ તેમાંથી મોટા ભાગના ટકી શક્યા નહીં. બાકી રહેલા પક્ષોને કેન્દ્રમાં સૌથી મોટી બહુમતી ધરાવતી પક્ષને સમર્થન આપવાની ફરજ પડી હતી.

લોકસભા એ જનતામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓથી બનેલી છે જે પુખ્ત મતાધિકારના આધારે સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે. બંધારણમાં ઉલ્લેખિત ગૃહની મહત્તમ સંખ્યા 552 સભ્યો છે, જેમાંથી 530 સભ્યો રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, 20 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને 2 સભ્યો એંગ્લો-ઈન્ડિયન સમુદાયોનું પ્રતિનિધિત્વ કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે છે.

સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત 1952માં લોકસભાની રચના કરવામાં આવી હતી.

પ્રથમ લોકસભા (1952)

ભારતની પ્રધામ લોકસભામાં સરદાર પટેલ ન હતા. 15 ડિસેમ્બર, 1950 તેમનું અનસાન થયું હતું.ભારતમાંથી અંગ્રેજોને ગાંધીજી અને કોંગ્રેસે મળીને હાંકી કાઢવામાં આવ્યા તેના 4 વર્ષ પછી દેશમાં પ્રથમ વખત 1952માં લોકસભાની રચના કરવામાં આવી હતી. આ પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ 364 બેઠકો સાથે સત્તામાં આવી. 489 મતવિસ્તારમાં યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં 26 ભારતીય રાજ્યોનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. તે સમયે કેટલાંકમાં 2 બેઠકો અને 3 બેઠકો પણ હતી.

ચૂંટણીમાં સમગ્ર ભારતમાં 44.87 ટકાની લોક ભાગીદારી નોંધાઈ હતી. પંડિત જવાહરલાલ નેહરુ દેશના પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા. તેમના પક્ષે 75.99% (4,76,65,951) મતો મેળવેલા હતા. 17 એપ્રિલ, 1952 ના રોજ રચાયેલી લોકસભાએ તેનો કાર્યકાળ 4 એપ્રિલ, 1957 સુધી પૂર્ણ કર્યો.

lok sabha old

સ્વતંત્ર ભારતમાં ચૂંટણીઓ યોજાઈ તે પહેલાં જ, નેહરુના બે ભૂતપૂર્વ પ્રધાન મંડળ સાથીઓએ કોંગ્રેસના વર્ચસ્વને પડકારવા માટે અલગ રાજકીય પક્ષોની સ્થાપના કરી હતી.

આચાર્ય કૃપાલાનીની કિસાન મજદૂર પ્રજા પરિષદ, રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળની સમાજવાદી પક્ષ અને ભારતીય સામ્યવાદી પક્ષો બન્યા હતા. નહેરુની સરકારના પ્રધાન શ્યામા પ્રસાદ મુખર્જીએ ઓક્ટોબર, 1951માં જનસંઘ(હાલનું ભાજપ) ની સ્થાપના કરી હતી. આમ ભાજપનો પાયો નાંખનારા કોંગ્રેસનો છે. તો બીજી તરફ બંધારણના ઘડવૈયા બી.આર. આંબેડકરે અનુસૂચિત જાતિ ફેડરેશનને પુનર્જીવિત કર્યું (પછીથી રિપબ્લિકન પક્ષ નામ આપવામાં આવ્યું).

નાના પક્ષો જાણતા હતા કે કોંગ્રેસ સાથે સ્પર્ધામાં તેમની કોઈ વાસ્તવિક સ્થિતિ નથી.

જી.વી. માવલંકર પહેલી લોકસભાના સ્પીકર બન્યા. પ્રથમ લોકસભા 677 કલાક (3,784 કલાક) સુધી બેસી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો છે. આ લોકસભાએ તેનો કાર્યકાળ 17 એપ્રિલ 1952 થી 4 એપ્રિલ 1957 સુધી પૂર્ણ કર્યો.

બીજી લોકસભા (1957)

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1957માં યોજાયેલી બીજી લોકસભા ચૂંટણીમાં 490 ઉમેદવારોમાંથી તેઓ 371 બેઠકો જીતી હતી. પક્ષએ કુલ 5,75,79,589 મતોની જીત સાથે 47.78 ટકા બહુમતી મેળવી.

પંડિત જવાહરલાલ નેહરુ સારી બહુમતી સાથે સત્તા પર પાછા ફર્યા. 11 મે, 1957ના રોજ, એમ. અનંતસયનમ આયંગરને સર્વાનુમતે લોકસભાના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

આ ચૂંટણીઓમાં કોંગ્રેસના સભ્ય ફિરોઝ ગાંધી (જેમણે વડાપ્રધાન નેહરુની પુત્રી ઈન્દિરા સાથે લગ્ન કર્યા હતા)નો ઉદય પણ જોવા મળ્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશના રાયબરેલી મતવિસ્તારમાંથી તેમના નજીકના હરીફ નંદ કિશોરને 29,000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા.

firoz gandhi

1957ની ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર મેદાનમાં નહોતા. 1957માં અપક્ષોને 19 ટકા મત મળ્યા હતા. બીજી લોકસભાએ તેનો કાર્યકાળ 31 માર્ચ 1962 સુધી પૂર્ણ કર્યો.

1960ના દાયકામાં બહુવિધ-સીટવાળા મતવિસ્તારોને નાબૂદ કરવામાં આવ્યા હતા.

ત્રીજી લોકસભા (1962)

જવાહરલાલ નેહરુએ 1957ની ચૂંટણીમાં બહુમતી સાથે કોંગ્રેસને પ્રચંડ જીત અપાવી. કોંગ્રેસના આ નેતાએ પોતાના કાર્યકાળ દરમિયાન વિકાસના ક્ષેત્રોમાં દેશ માટે એક નવા દેખાવની પણ કલ્પના કરી હતી. આ સમયગાળા દરમિયાન પંચવર્ષીય યોજનાનો પણ ઉદભવ થયો, જેનો ઉદ્દેશ્ય કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા લોકોના જીવનધોરણમાં સુધારો કરવાનો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજી, ઔદ્યોગિક ક્ષેત્ર અને સંચાર. ભારતના આ સ્વપ્નદ્રષ્ટા વડા પ્રધાને લોખંડ, મિલો અને બંધને આધુનિક ભારતના મંદિરો તરીકે સ્થાપિત કરવાનું સ્વપ્ન જોયું હતું.

ત્રીજી લોકસભાની રચના એપ્રિલ 1962માં થઈ હતી. તે સમયે પાકિસ્તાન સાથે સંબંધો ખરાબ રહ્યા હતા. ઓક્ટોબર 1962ના સરહદી યુદ્ધને કારણે ચીન સાથેના 'મૈત્રીપૂર્ણ' સંબંધો પણ મિથ્યા સાબિત થયા. 1962ના ભારત-ચીન યુદ્ધ પાછળનો મુખ્ય મુદ્દો ચીન દ્વારા 1956-57માં તિબેટની પશ્ચિમે આવેલા અક્સાઈ ચીનના વિવાદિત વિસ્તારમાં લશ્કરી હાઈવેનું નિર્માણ કર્યું હતું. યુદ્ધ 1962 ના ઉનાળામાં શરૂ થયું હતું, તે ઓક્ટોબર અને નવેમ્બર 1962 માં ત્રણ વ્યાપક મોરચે લડવામાં આવ્યું હતું. ચીની સેના ભારતીય સેના કરતાં શ્રેષ્ઠ સાબિત થઈ છે.

સુરક્ષા પર સરકારના અપૂરતા ધ્યાન માટે વ્યાપકપણે ટીકા થયા પછી, નેહરુએ તત્કાલિન સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનનને હટાવ્યા અને અમેરિકાની લશ્કરી મદદ લીધી. નેહરુની તબિયત ઝડપથી બગડવા લાગી અને તેમને સ્વસ્થ થવા માટે 1963માં કેટલાક મહિનાઓ કાશ્મીરમાં વિતાવવાની ફરજ પડી. મે 1964માં કાશ્મીરથી પરત ફરતી વખતે તેમને આઘાત લાગ્યો અને બાદમાં 27 મે 1964ના રોજ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું. નિષ્ણાતો કહે છે કે 1962માં ભારતની સરહદો પર ચીનના આક્રમણ અને પાકિસ્તાન સાથેના ઘરેલુ મામલાઓએ નેહરુના દીલમાં અસર કરી દીધી હતી.

nehru

નેહરુજીના અવસાન પછી, કોંગ્રેસના નેતા ગુલઝારીલાલ નંદાએ 2 અઠવાડિયા માટે રખેવાળ વડાપ્રધાન તરીકે સ્થાન લીધું. કોંગ્રેસ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રીને નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.

1965માં દેશને પાકિસ્તાન પર વિજય અપાવનાર શાસ્ત્રીજી વડાપ્રધાન પદ માટે સંભવિત પસંદગી ન હતા. શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ મોહમ્મદ અયુબ ખાને ભૂતપૂર્વ સોવિયેત સંઘના તાશ્કંદમાં 10 જાન્યુઆરી 1966ના રોજ શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.

નંદાને ફરી એક મહિના કરતાં ઓછા સમય માટે કાર્યકારી વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

શાસ્ત્રીના નિધન બાદ નેહરુની પુત્રી ઈન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ઈન્દિરાએ લાલબહાદુર શાસ્ત્રીના પ્રધાન મંડળમાં માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે કામ કર્યું હતું.

1966માં ઈન્દિરાને વડાપ્રધાન બનાવવામાં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ કે. કામરાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસના જૂના નેતા અને ગુજરાતના વતની મોરારજી દેસાઈ તરફથી આનો જોરદાર વિરોધ થયો હતો. છતાં ઈન્દિરા ગાંધી 24 જાન્યુઆરી 1966ના રોજ વડાપ્રધાન બન્યા હતા. વાસ્તવમાં કોંગ્રેસ માટે આ શ્રેષ્ઠ સમય નહોતો.

પક્ષ આંતરિક કટોકટી હતી. બે યુદ્ધોની અસરો હતી. અર્થતંત્રને ઘણું નુકસાન થયું હતું અને મનોબળ ઘણું નીચું હતું. મિઝો આદિવાસી બળવો, દુષ્કાળ, મજૂર અશાંતિ અને રૂપિયાના અવમૂલ્યનને પગલે ગરીબોની દુર્દશા હતી. લોકસભાને હલાવી હતી, જ્યારે પંજાબમાં ભાષાકીય અને ધાર્મિક અલગતાવાદ માટે ચળવળ પણ થઈ હતી.

ચોથી લોકસભા (1967)

એપ્રિલ 1967માં ચોથી ચૂંટણી કોંગ્રેસ માટે ખરાબ સાબિત થઈ હતી. અત્યાર સુધીની 3 ચૂંટણીમાં 73 ટકાથી ઓછી બેઠકો કોંગ્રેસે જીતી ન હતી. કોંગ્રેસમાં આંતરિક સંકટની અસર 1967ના ચૂંટણી પરિણામોમાં હતી. 60 બેઠકો ગુમાવી હતી. 283 બેઠકો જીતી હતી.

1967 સુધીમાં કોંગ્રેસે ક્યારેય વિધાનસભા ચૂંટણીમાં 60 ટકાથી ઓછી બેઠકો જીતી ન હતી. બિહાર, કેરળ, ઓરિસ્સા, મદ્રાસ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં બિન-કોંગ્રેસી સરકારો સ્થપાઈ હતી.

આ બધા સાથે રાયબરેલી મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયેલા ઈન્દિરા ગાંધીએ 13 માર્ચે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. અસંમત અવાજોને શાંત કરવા માટે, તેમણે મોરારજી દેસાઈને ભારતના નાયબ વડા પ્રધાન અને ભારતના નાણાં પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. ગાંધીયન મોરારજી દેસાઈએ નેહરુના મૃત્યુ પછી ઈન્દિરાને વડાપ્રધાન બનાવવાનો વિરોધ કર્યો હતો.

ચૂંટણીમાં કોંગ્રેસના નિરાશાજનક જીતમાં મોરારજી દેસાઈએ મજબૂત લોકોને કોંગ્રેસ પક્ષ હાઈકમાન્ડ સામે ઉભા કર્યા. પક્ષમાં મતભેદો વધતા ગયા.

MORARJI DEASAI.1

કોંગ્રેસે મોરારજી દેસાઈને 12 નવેમ્બર 1969ના રોજ હાંકી કાઢ્યા. આ ઘટનાએ કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. કોંગ્રેસ (ઓ) બની તેને મોરારજી દેસાઈનું નેતૃત્વ હતું.

ઈન્દિરા ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસ (આઈ) બની હતી. આમ આરતીય રાષ્ટ્રિય કોંગ્રેસ રહી ન હતી.

ઈન્દિરાએ ડિસેમ્બર 1970 સુધી સીપીઆઈ(એમ)ના સમર્થનથી લઘુમતી સરકાર ચલાવી હતી. તેણી વધુ લઘુમતી સરકાર ચલાવવા માંગતા ન હતા. તેમણે નિયત ચૂંટણીના એક વર્ષ પહેલા મધ્ય-ગાળાની લોકસભા ચૂંટણીની જાહેરાત કરી. આ સાથે દેશ તેની પાંચમી સામાન્ય ચૂંટણી માટે તૈયાર હતો.

5મી લોકસભા (1971)

1971માં ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસને 352 બેઠક સાથે જબરજસ્ત બહુમતી સાથે જીત અપાવી. 'ગરીબી હટાઓ' (ગરીબી દૂર કરો) ચૂંટણી સૂત્ર સાથે પ્રચાર કર્યો હતો. અગાઉની ચોથી લોકસભાની ચૂંટણીમાં 283 બેઠકો હતી.

1971 માં, ઈન્દિરા ગાંધીએ ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન એક હિંમતવાન નિર્ણય લીધો જેના પરિણામે બાંગ્લાદેશ બન્યો. ડિસેમ્બર 1971માં ભારતની જીતને તમામ ભારતીયોએ આવકારી હતી. ચીન અને અમેરિકાના રાજદ્વારી વિરોધ છતાં તેમણે યુદ્ધ કરીને પાકિસ્તાનને સબક શિખવ્યો હતો.

તે સમયે રશિયા - સોવિયેત યુનિયન અને પૂર્વીય દેશોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને સમર્થન આપ્યું હતું.

ઈન્દિરા અને કોંગ્રેસ બંનેને કેટલીક અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો. ભારત-પાકિસ્તાન યુદ્ધની ભારે આર્થિક કિંમત, વિશ્વમાં તેલના ભાવમાં વધારો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો એ આર્થિક મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો.

અલ્હાબાદ વડી અદાલતે ઈંદિરાની ચૂંટણી ભ્રષ્ટાચારના આધારે 12 જૂન 1975ના રોજ તેમની 1971ની ચૂંટણીને અમાન્ય કરી દીધી હતી. રાજીનામું આપવાને બદલે ઈન્દિરા ગાંધીએ દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. સમગ્ર વિપક્ષને જેલમાં ધકેલી દીધો હતો.

6ઠ્ઠી લોકસભા (1977)

1977ની ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર દ્વારા કટોકટીની જાહેરાત મુખ્ય મુદ્દો હતો. 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધીની રાષ્ટ્રીય કટોકટી રહી હતી. નાગરિક સ્વતંત્રતાઓ નાબૂદ કરવામાં આવી હતી. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ વ્યાપક સત્તાઓ સંભાળી હતી.

ઈમરજન્સીને કારણે ઈન્દિરા ગાંધીની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો. તેણે ચૂંટણીમાં તેની કિંમત ચૂકવવી પડી. 23 જાન્યુઆરીના રોજ ગાંધીએ માર્ચમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. તમામ રાજકીય કેદીઓને મુક્ત કર્યા હતા. ચાર પક્ષો - કોંગ્રેસ (ઓ), જનસંઘ, ભારતીય લોકદળ અને સમાજવાદી પક્ષ એક થયા હતા. ચાર પક્ષોએ જનતા પક્ષ તરીકે સાથે મળીને ચૂંટણી લડી હતી. જેમાં જયપ્રકાશ અને મોરારજી દેસાઈ સૌથી આગળ હતા.

જનતા પક્ષએ મતદારોને કટોકટી દરમિયાન થયેલા અત્યાચારો ચૂંટણીનો મુદ્દો હતો. પ્રચારમાં માનવાધિકારોના ઉલ્લંઘનની યાદ અપાવી હતી. સંજય ગાંધીની ફરજિયાત નસબંધી મુદ્દો હતો. રાજકારણીઓને જેલમાં ધકેલી દેવાની વાત હતા. આ તમામ મુ્દદાને લોક સમર્થન મળતું હતું.

પરંતુ ઈંદિરા ગાંધી ચૂંટણી પહેલાં દેશની પ્રજાના મૂડથી અજાણ હતા.  

ચૂંટણી પહેલાના આ પ્રચારમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચૂંટણીઓ નક્કી કરશે કે ભારતમાં 'લોકશાહી હશે કે સરમુખત્યાર.' કોંગ્રેસ આ અંગે ભયભીત જોવા મળી રહી છે. કૃષિ અને સિંચાઈ પ્રધાન બાબુ જગજીવનરામે પક્ષ છોડી દીધો હતો. પક્ષ છોડનારા તેઓ એક માત્ર હતા.

indira-gandhi-14

કોંગ્રેસે મજબુત સરકારની વાત કરી હતી. જે પ્રજાએ સ્વિકારી ન હતી.

સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. જનતા પક્ષના નેતા મોરારજી દેસાઈએ 298 બેઠકો જીતી. ચૂંટણીના 2 મહિના પહેલા જ તે જેલમાંથી મુક્ત થયા હતા.

દેસાઈ 24 માર્ચે ભારતના પ્રથમ વિપક્ષી પક્ષના વડાપ્રધાન બન્યા હતા. જોકે તેઓ મૂળ કોંગ્રેસના હતા.

કોંગ્રેસે 200 સીટો ગુમાવી હતી. 1966થી સરકારમાં રહેલા ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસને ગંભીર હારનો સામનો કરવો પડ્યો હતો.

કટોકટી માર્ચ 1977 સુધી ચાલી હતી. 1977 માં યોજાયેલી ચૂંટણીમાં જન મોરચા નામના પક્ષોના ગઠબંધન દ્વારા તેમનો પરાજય થયો હતો.

7મી લોકસભા (1980)

કોંગ્રેસ અને ઈમરજન્સી સામેના લોકોના ગુસ્સા પર સવાર થઈને જનતા પક્ષ સત્તા પર આવ્યો હતો. પરંતુ તેની સ્થિતિ નબળી હતી. લોકસભામાં જનતા પક્ષની 270 બેઠકો હતી. સત્તા પર તેની પકડ મજબૂત નહોતી.

ભારતીય લોકદળના નેતાઓ ચરણ સિંહ અને જગજીવન રામે કોંગ્રેસ છોડી દીધી હતી. તેઓ જનતા ગઠબંધનના સભ્યો હતા. તેઓ વડાપ્રધાન મોરારજી દેસાઈથી નારાજ હતા.

કટોકટી દરમિયાન માનવાધિકારના ઉલ્લંઘનની તપાસ કરવા માટે સરકાર દ્વારા સ્થપાયેલી અદાલતો ઈન્દિરા ગાંધી સામે બદલો લેવા જેવી લાગી હતી. ઈન્દિરાએ પોતાને મુશ્કેલીમાં મુકાયેલી મહિલા તરીકે દર્શાવવાની કોઈ તક ગુમાવી ન હતી.

જનતા પક્ષ, સમાજવાદીઓ અને હિંદુ રાષ્ટ્રવાદીઓએ પોતાના પક્ષો વિખેરીને જનતા પક્ષની રચના કરી હતી. આવું મિશ્રણ સરકારમાં હતું. અલગ વિચારધારાઓના કારણે જનતા પક્ષ 1979માં વિભાજિત થયો. જ્યારે ભારતીય જનસંઘ (BJS) નેતાઓ અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીએ પક્ષ છોડી દીધો હતો. BJS એ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો અને લોકોએ ઇંદિરા ગાંધીની સરમુખત્યારશાહી સામે ચૂંટેલી સરકારને સંઘી નેતાઓએ ગબડાવી દીધી હતી.

દેસાઈએ સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યો અને રાજીનામું આપ્યું. તેમના સ્થાને જનતા ગઠબંધન સાથે મળીને ચરણ સિંહ ચૌધરી વડાપ્રધાન થયા હતા. ખેડૂત નેતા ચરણસિંહે જનતા ગઠબંધનના કેટલાક ભાગીદારોને જાળવી રાખ્યા હતા. ચોધરીએ જૂન 1979માં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

કોંગ્રેસે સંસદમાં ચૌધરીને ટેકો આપવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસે પાછળથી પીછેહઠ કરી હતી. તેઓ એકમાત્ર એવા વડાપ્રધાન હતા કે જેમણે ક્યારેય સંસદમાં ગયા ન હતા. જનતા પક્ષના નેતાઓ વચ્ચેની લડાઈ હતી. દેશમાં પ્રવર્તતી રાજકીય અસ્થિરતાએ કોંગ્રેસ (I)ની તરફેણમાં કામ કર્યું જેણે મતદારોને ઈન્દિરા ગાંધીની મજબૂત સરકારની યાદ અપાવી.

જનતા પક્ષ વર્ષોવર્ષ વિભાજિત થતો રહ્યો હતો. દેશના રાજકીય ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થયો હતો. મોંઘવારી ઘટી અને વિદેશી કંપનીઓનું પ્રભુત્વ ઓછું થયું હતું. ગઠબંધન હતું કે કોઈ પણ મજબૂત પક્ષને હરાવી શકાય છે, એવું સાબિત કર્યું હતું.

કોંગ્રેસે લોકસભામાં 351 બેઠકો જીતી હતી અને જનતા પક્ષ અથવા બાકીના ગઠબંધનને 32 બેઠકો મળી હતી.

8મી લોકસભા (1984-1985)

31 ઓક્ટોબર 1984ના રોજ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. કોંગ્રેસ માટે સહાનુભૂતિના મતો પેદા થયા હતા. ઇન્દિરા ગાંધીના અવસાન પછી, લોકસભા ભંગ કરવામાં આવી હતી. રાજીવ ગાંધીએ વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.

નવેમ્બર 1984 માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન, રાજીવ ગાંધીએ લોકોને તેમના પરિવારના યોગદાનની યાદ અપાવી હતી. નવા ભારતની કલ્પના કરી હતી. પોતાને સુધારક તરીકે રજૂ કર્યા.

આ ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી. તેણે 409 લોકસભા બેઠકો અને 50 ટકા લોકપ્રિય મતો જીત્યા હતા. પક્ષનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેલુગુ દેશમ પક્ષ 30 બેઠકો સાથે સંસદમાં બીજી સૌથી મોટી પક્ષ બન્યો હતો. ભારતીય સંસદના ઈતિહાસમાં આ એક દુર્લભ રેકોર્ડ છે જેમાં એક પ્રાદેશિક પક્ષ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.

9મી લોકસભા (1989)

9મી લોકસભાની ચૂંટણી ઘણી રીતે ભારતીય ચૂંટણી રાજકારણમાં ઐતિહાસિક ઘટના હતી. આ ચૂંટણીઓએ રાજકારણીઓની મત માંગવાની રીત બદલી નાખી હતી. વીપી સિંહે મંડલ કમિશન સાથે જાતિ અને ભાજપે ધર્મના આધારે મત માંગવાનું ધ્યાન કેન્દ્રીત બન્યું હતું.

1989ની સામાન્ય ચૂંટણી કોંગ્રેસના યુવા નેતા રાજીવના નેતૃત્વમાં લડવામાં આવી હતી. કોંગ્રેસ અનેક કટોકટીઓનો સામનો કરી રહી હતી. કોંગ્રેસ સરકાર તેની વિશ્વસનીયતા અને લોકપ્રિયતા ગુમાવી રહી હતી. આ કટોકટી આંતરિક અને બાહ્ય બંને પ્રકારની હતી.

બોફોર્સ તોપ ખરીદી કૌભાંડ વીપી સિંહે આગળ કર્યું હતું. પંજાબમાં આતંકવાદ હતો. LTTE અને શ્રીલંકાની સરકાર વચ્ચે ગૃહયુદ્ધ હતું. રાજીવ ગાંધીની સરકારે તમીલ ટાઈગર સામે શ્રીલંકાને લશ્કરી મદદ કરી હતી.

વિશ્વનાથ પ્રતાપ સિંહ રાજીવના સૌથી મોટા ટીકાકાર હતા જેમણે સરકારમાં નાણા મંત્રાલય અને સંરક્ષણ પ્રધાન હતા. સિંઘના સંરક્ષણ પ્રધાન હતા અને તેઓ બોફોર્સ ખરીદી કૌભાંડ બહાર લાવ્યા હતા. જેનાથી રાજીવ ગાંધીની પ્રતિષ્ઠા બગડી શકે.

સિંહને આ બાબતે ટૂંક સમયમાં પ્રધાન મંડળમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. પછી કોંગ્રેસ અને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે અરુણ નેહરુ અને આરિફ મોહમ્મદ ખાન સાથે જન મોરચાની રચના કરી અને અલ્હાબાદથી ફરીથી લોકસભામાં પ્રવેશ કર્યો હતો.

11 ઓક્ટોબર 1988ના રોજ જનતા દળની સ્થાપના કરવામાં આવી હતી. જન મોરચા, જનતા પક્ષ, લોકદળ અને કોંગ્રેસ (એસ)ના વિલીનીકરણ દ્વારા નવો પક્ષ બનાવ્યો હતો. તમામ પક્ષો રાજીવ ગાંધી સરકારનો વિરોધ કરવા માટે એકસાથે આવ્યા હતા. ટૂંક સમયમાં DMK, TDP અને AGP સહિત અનેક પ્રાદેશિક પક્ષો જનતા દળમાં જોડાયા હતા. રાષ્ટ્રીય મોરચાની રચના કરી હતી.

rajiv-gandhi

ભારતીય જનતા પક્ષ અને બે સામ્યવાદી પક્ષો, કમ્યુનિસ્ટ પક્ષ ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) અને કમ્યુનિસ્ટ પક્ષ ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) સાથે પાંચ-પક્ષીય રાષ્ટ્રીય મોરચાએ 1989ની ચૂંટણી લડી હતી.

લોકસભાની 525 બેઠકો માટેની આ ચૂંટણી 22 નવેમ્બર અને 26 નવેમ્બર, 1989ના રોજ બે તબક્કામાં યોજાઈ હતી. આના પરિણામે રાષ્ટ્રીય મોરચા માટે લોકસભામાં સરળ બહુમતી મળી હતી. ડાબેરી મોરચા અને ભારતીય જનતા પક્ષના બહારના સમર્થન સાથે સરકાર બનાવી હતી. રાષ્ટ્રીય મોરચાના સૌથી મોટા પક્ષ જનતા દળને 143 બેઠકો મળી હતી. જ્યારે CPI(M) અને CPIએ અનુક્રમે 33 અને 12 બેઠકો જીતી હતી. અપક્ષો અને અન્ય નાના પક્ષો 59 બેઠકો જીતી હતી.

કોંગ્રેસ 197 સાંસદો સાથે લોકસભામાં સૌથી મોટો પક્ષ હતો. 1984ની ચૂંટણીમાં ભાજપને 2 બેઠકો મળી હતી. તેની સરખામણીમાં 85 સાંસદો સાથે આ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ફાયદો થયો હતો. વિશ્વ પ્રતાપ સિંહ ભારતના 10મા વડાપ્રધાન બન્યા અને દેવીલાલ નાયબ વડાપ્રધાન બન્યા હતા.

2 ડિસેમ્બર 1989 થી 10 નવેમ્બર, 1990 સુધી તેઓ વડાપ્રધાન રહ્યાં હતા.

રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ મુદ્દે ભાજપના નેતા એલ.કે. અડવાણીએ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી. બિહારમાં મુખ્ય પ્રધાન લાલુપ્રસાદ યાદવે અડવાણીની ધરપકડ કરી હતી. ભાજપ દ્વારા વીપી સિંહ સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. સિંહે વિશ્વાસ મત ગુમાવ્યા બાદ રાજીનામું આપ્યું હતું.

ચંદ્રશેખરે 64 સાંસદો સાથે જનતા દળથી અલગ થઈને સમાજવાદી જનતા પક્ષની રચના કરી હતી. તેમને કોંગ્રેસનું બહારથી સમર્થન મળ્યું હતું. તેઓ ભારતના 11મા વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા જાસૂસીનો આરોપ મૂક્યો હતો. ચંદ્રશેખરની સરકાર રાજીવ ગાંધીની જાસૂસી કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. આખરે ચંદ્રશેખરે 6 માર્ચ, 1991ના રોજ રાજીનામું આપ્યું હતું.

સરકારની રચનાના 16 મહિના પછી જ ભંગ થઈ ગઈ હતી.

ચૂંટણી પ્રતિકૂળ વાતાવરણમાં યોજાઈ હતી. બે સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી મુદ્દાઓ, મંડલ કમિશનની ભલામણોનો અમલ અને રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને કારણે તેને 'મંડલ-મંદિર' ચૂંટણી પણ કહેવામાં આવી હતી.

10મી લોકસભા (1991)

10મી લોકસભાની ચૂંટણીઓ મધ્યસત્ર ચૂંટણી હતી.

વી.પી. સિંહ સરકારે મંડલ કમિશન અમલમાં લાવી દીધું હતું. જાતિવાદી રાજકારણ તેઓ લાવ્યા હતા.

જેમાં સરકારી નોકરીઓમાં અન્ય પછાત જાતિઓ (ઓબીસી) ને 27 ટકા અનામત આપવામાં આવી હતી. જેના કારણે દેશભરમાં સામાન્ય જાતિના વિદ્યાર્થીઓ દ્વારા મોટા પાયે હિંસા અને વિરોધ થયો હતો. અયોધ્યામાં રામ મંદિર બનાવીને રાજકાણ ખેલવામાં આવ્યું હતું. ભારતીય જનતા પક્ષ તેના મુખ્ય ચૂંટણી મુદ્દા તરીકે ઉપયોગ કરી રહી હતી.

મંદિરના મુદ્દાને કારણે દેશના ઘણા ભાગોમાં રમખાણો થયા હતા. જાતિ અને ધાર્મિક લાઇન પર મતદારોનું ધ્રુવીકરણ થયું હતું. રાષ્ટ્રીય મોરચામાં રહેલી અવ્યવસ્થાએ કોંગ્રેસની પીછેહઠનો સંકેત આપ્યો હતો.

20 મે, 12 જૂન અને 15 જૂન, 1991ના રોજ 3 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. તે કોંગ્રેસ, ભાજપ અને રાષ્ટ્રીય મોરચો-જનતા દળ (એસ)-ડાબેરી ગઠબંધન વચ્ચે ત્રિશંકુ મુકાબલો હતો.

20 મેના રોજ, પ્રથમ તબક્કાના મતદાન પછી રાજીવ ગાંધી પર માનવ બોંબ ફેંકાયો હતો. તમિલ ઈલમ લિબરેશન ટાઈગર્સ દ્વારા શ્રીપેરુમ્બુદુર (તમિલનાડુ)માં પ્રચાર કરતી વખતે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

ચૂંટણીના બાકીના દિવસો જૂનના મધ્ય સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. અંતે મતદાન 12 જૂન અને 15 જૂનના રોજ થયું હતું. આ વખતે સંસદીય ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન થયું હતું.  જેમાં માત્ર 53 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ચૂંટણી પરિણામોમાં ત્રિશંકુ સંસદ બની હતી. કોંગ્રેસ 232 બેઠકો મળી હતી. ભાજપને 120 બેઠકો મળી હતી. જનતા દળ માત્ર 59 બેઠકો સાથે ત્રીજા ક્રમે હતો.

lal bahadur shashtri

21મી જૂને કોંગ્રેસના પી.વી. નરસિમ્હા રાવે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાવ નહેરુ-ગાંધી પરિવારની બહાર કોંગ્રેસના બીજા વડાપ્રધાન હતા. નેહરુ-ગાંધી પરિવારની બહારના પ્રથમ કોંગ્રેસી વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા.

અયોધ્યામાં બાબરી મસ્જિદ ભાજપ અને સંઘ તથા તેની સંસ્થાઓએ તોડી પાડી ધર્મનું રાજકારણ ખેલ્યું હતું.

11મી લોકસભા (1996)

11મી લોકસભા ફરી એકવાર ત્રિશંકુ સંસદ બની હતી. બે વર્ષની રાજકીય અસ્થિરતા હતી. દરમિયાન દેશમાં 3 વડાપ્રધાન બન્યા હતા.

અસ્થિરતા છતાં  પી.વી. નરસિમ્હા રાવે આર્થિક સુધારા કરીને દેશની પ્રગતિ કરાવી હતી.

આ દરમિયાન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવની કોંગ્રેસ (I) સરકારને શ્રેણીબદ્ધ સુધારાઓ જારી કરવાનો શ્રેય આપવામાં આવે છે. દેશની અર્થવ્યવસ્થા વિદેશી રોકાણકારો માટે ખોલી હતી. દેશની અર્થવ્યવસ્થાને બચાવવા અને દેશની વિદેશ નીતિને ઉત્તેજન આપ્યું હતું.

તેમની સરકાર એપ્રિલથી મે મહિનામાં ચૂંટણી પહેલા અનિશ્ચિત અને નબળી હતી.

મે 1995માં વરિષ્ઠ નેતાઓ અર્જુન સિંહ અને નારાયણ દત્ત તિવારીએ કોંગ્રેસ છોડીને પોતાની પક્ષ બનાવ્યો હતો.

હર્ષદ મહેતાકૌભાંડો, રાજકારણના અપરાધીકરણ પરના વોહરા અહેવાલ, જૈન હવાલા કાંડ અને 'તંદૂર હત્યાકાંડ' કેસએ રાવ સરકારની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું હતું. આ આરોપો મોટા ભાગે ભાજપ દ્વારા લગાવવામાં આવ્યા હતા.

ભાજપ અને તેના સાથી પક્ષો અને યુનાઈટેડ ફ્રન્ટ, ડાબેરી મોરચો અને જનતા દળનું ગઠબંધન ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્ય હરીફ હતા.

રાવે ત્રણ સપ્તાહના પ્રચાર દરમિયાન આર્થિક સુધારાઓની વાતો કરી હતી. ભાજપે હિંદુત્વ, ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ આગળ કર્યા હતા.

મતદારો કોઈ પક્ષથી પ્રભાવિત હોય તેવું જણાતું ન હતું. ભાજપને 161 અને કોંગ્રેસને 140 બેઠકો મળી હતી. સંસદમાં અડધી બેઠકો 271 બન્ને પક્ષ મળીને થતી હતી.

રાષ્ટ્રપતિએ ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

ભાજપ સંસદમાં સૌથી મોટો પક્ષ હતો. તેના વડા બિહારી હતા. વાજપેયીએ 16 મેના રોજ વડા પ્રધાન બન્યા હતા. સંસદમાં પ્રાદેશિક પક્ષો પાસેથી સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ આ કાર્યમાં નિષ્ફળ ગયા હતા. 13 દિવસ પછી રાજીનામું આપી દીધું.

જનતા દળના નેતા દેવેગૌડાએ 1 જૂનના રોજ સંયુક્ત મોરચાની ગઠબંધન સરકારની રચના કરી હતી. તેમની સરકાર 18 મહિના સુધી ચાલી હતી.

નવી યુનાઈટેડ ફ્રન્ટ સરકારને બહારથી ટેકો આપવા કોંગ્રેસ સંમત હતી. દેવેગૌડાના વિદેશ પ્રધાન ઈન્દર કુમાર ગુજરાલ એપ્રિલ 1997માં વડા પ્રધાન બન્યા હતા. 1998માં દેશમાં ફરીથી ચૂંટણી યોજાઈ હતી.

i.k. gujral

ઇન્દર કુમાર ગુજરાલની લઘુમતી સરકાર (મે 1996ની સામાન્ય ચૂંટણીના 18 મહિનાની અંદર બીજી સંયુક્ત મોરચાની સરકાર), 28 નવેમ્બર, 1997ના રોજ પડી. સીતારામ કેસરીની આગેવાની હેઠળની કોંગ્રેસે 1991માં વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં સંડોવણીના વિવાદને કારણે સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.

11મી લોકસભાનું આયુષ્ય ખૂબ જ નાનું હતું, તે માંડ દોઢ વર્ષ ચાલ્યું હતું.

12મી લોકસભા (1998)

10 માર્ચ, 1998ના રોજ 12મી લોકસભાની રચના કરવામાં આવી. ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળના ગઠબંધની સરકાર બની હતી.

12મી લોકસભા માત્ર 413 દિવસ ચાલી હતી. અત્યાર સુધીની સૌથી ટૂંકી લોકસભા હતી.

17 એપ્રિલના રોજ માત્ર 1 મતથી ભાજપ સંસદમાં હારી ગયો હતો. બાજપેઈએ તોડતોડ ન કરી. તેઓ સિદ્ધાંતને વળગી રહ્યાં હતા. 13 મહિના જૂની ભારતીય જનતા પક્ષની સરકાર તૂટી હતી.

આવું 5મી વખત બન્યું હતું કે, લોકસભા તેનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા ભંગ કરવામાં આવી હોય.

4 ડિસેમ્બર, 1997ના રોજ લોકસભાના વિસર્જન બાદ, લોકસભાની તમામ બેઠકો માટે સમય પહેલા ચૂંટણી યોજાઈ હતી.

ચૂંટણી પછીની ગઠબંધન વ્યૂહરચનાથી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને 265 બેઠકોની કાર્યકારી બહુમતી મળી. આ સંદર્ભમાં, 15 માર્ચે રાષ્ટ્રપતિ નારાયણને વાજપેયીને આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. 19 માર્ચે વાજપેયીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

13મી લોકસભા (1999)

17 એપ્રિલ 1999ના રોજ, વાજપેયી લોકસભામાં વિશ્વાસ મત હારી ગયા, પરિણામે તેમની ગઠબંધન સરકારનું રાજીનામું આવ્યું. તેમણે આનું કારણ તેમના 24-પક્ષીય રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં એકતાના અભાવને ગણાવ્યું. તેના સહયોગી જયલલિતાની આગેવાની હેઠળના AIADMKની પીછેહઠને કારણે ભાજપ 1 મતથી ચૂંટણી હારી ગયું હતું.

જયલલિતા સતત ધમકી આપી રહ્યા હતા કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ સમર્થન પાછું ખેંચી લેશે.

26 એપ્રિલના રોજ, ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ કે આર નારાયણને લોકસભા ભંગ કરીને વહેલી ચૂંટણીની જાહેરાત કરી હતી. મતદાન થયું ત્યાં સુધી ભાજપે વચગાળાના વહીવટ તરીકે શાસન ચાલુ રાખ્યું. ચૂંટણી પંચ દ્વારા 4 મેના રોજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી.

અગાઉની ચૂંટણી 1996 અને 1998માં યોજાઈ હતી ત્યારથી 1999ની ચૂંટણી 40 મહિનામાં ત્રીજી વખત યોજાઈ રહી હતી. આ ચૂંટણીઓ 5 અઠવાડિયા સુધી ચાલી હતી. 45 પક્ષો (6 રાષ્ટ્રીય, બાકીના પ્રાદેશિક) 543 લોકસભા બેઠકો પર ચૂંટણી લડ્યા હતા.

આ લાંબા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સામાન્ય રીતે આર્થિક અને વિદેશ નીતિના મુદ્દાઓ પર સહમત થયા હતા. જેમાં પાકિસ્તાન સાથેના કાશ્મીર સરહદ વિવાદનું સમાધાન પણ સામેલ હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વાજપેયી વચ્ચેના અંગત સંઘર્ષના સ્વરૂપમાં જ તેમની દુશ્મનાવટ વધુ પ્રગટ થઈ.

1998 માં, સોનિયા ગાંધી ખૂબ જ નાની ઉંમરે પક્ષ અધ્યક્ષ પદ માટે ચૂંટાયા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા શરદ પવારે સોનિયાના જન્મસ્થળ ઈટાલી હોવાનો મુદ્દો ઉઠાવીને તેમની પસંદગીને પડકારી હતી. જેના કારણે કોંગ્રેસમાં આંતરિક કટોકટી સર્જાઈ. ભાજપે તેનો ચૂંટણી મુદ્દા તરીકે અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો.

કારગિલમાં પાકિસ્તાન ઘુસી આવ્યું હતું. વાજપેઈની મોટી નિફ્ળતા હતી. કંદહાર વિમાન અપહરણ અને આતંકિઓને છોડવા તથાં સંસદ પર હુમલાનો મુદ્દો હતો. ચૂંટણીના થોડા મહિના પહેલા કારગીલ યુદ્ધ સમાપ્ત થયું. 2 વર્ષમાં ભારતે આર્થિક ઉદારીકરણ અને નાણાકીય સુધારાને કારણે નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ હાંસલ કરી હતી. ફુગાવાનો દર ઓછો હતો. ઔદ્યોગિક વિકાસ દર પણ ઊંચો હતો.

ભાજપ અને તેના સહયોગીઓએ 1991, 1996 અને 1998ની ચૂંટણી લડી હતી. અન્ય પક્ષો સાથે મજબૂત અને વ્યાપક જોડાણ NDA દ્વારા રાજકીય વિસ્તરણના આધારે સતત પ્રગતિ કરી હતી. કોંગ્રેસને બહુમતીથી હરાવ્યા. 1999ના ચૂંટણી પરિણામોમાં નિર્ણાયક સાબિત થયા.

6 ઓક્ટોબરે જાહેર થયેલા પરિણામોમાં NDAને 298 બેઠકો અને કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ 136 બેઠકો જીતી હતી. વાજપેયીએ 13 ઓક્ટોબરે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

atal bihari bajpei

14મી લોકસભા (2004)

20 એપ્રિલથી 10 મે 2004ની વચ્ચે ચાર તબક્કાની ચૂંટણીઓ યોજાઈ હતી. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની દેખરેખ હેઠળ ભાજપની આગેવાની હેઠળની NDA સરકારે 2004માં તેના શાસનના 5 વર્ષ પૂર્ણ કર્યા હતા.

ભારતીય વિદેશી મુદ્રા ભંડારમાં $100 બિલિયનથી વધુ જમા કરવામાં આવ્યા હતા. આ વિશ્વનું 7મું સૌથી મોટું અનામત હતું અને ભારત માટે એક રેકોર્ડ હતો. સેવા ક્ષેત્રમાં પણ મોટી સંખ્યામાં નોકરીઓ ઉપલબ્ધ થઈ.

વાજપેયી અને સોનિયા ગાંધીની અથડામણ વધુ જોવા મળી હતી. કારણ કે ત્રીજો કોઈ સક્ષમ વિકલ્પ નહોતો. ભાજપ અને તેના સાથી પક્ષો વચ્ચે લડાઈ એક તરફી હતી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો વચ્ચે લડાઈ હતી. પ્રાદેશિક મતભેદો ઉભરી આવ્યા હતા.

ભાજપે એનડીએની બહારના કેટલાક મજબૂત પ્રાદેશિક પક્ષો સાથે બેઠક વહેંચણી કરારો કર્યા હતા. જેમ કે આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પક્ષ અને તમિલનાડુમાં અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ પક્ષ.

કોંગ્રેસના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરનો વિપક્ષી મોરચો ન બની શક્યો. પ્રાદેશિક સ્તરે કોંગ્રેસ અને ઘણા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો વચ્ચે ગઠબંધન કરાયું હતું. પહેલીવાર હતું જ્યારે કોંગ્રેસ આ પ્રકારના જોડાણ સાથે સંસદીય ચૂંટણી લડી હતી.

પંજાબ અને આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં તેઓએ કોંગ્રેસ સાથે બેઠકો વહેંચી હતી. તમિલનાડુમાં તેઓ ડીએમકેની આગેવાની હેઠળના ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ એલાયન્સનો ભાગ હતા.

ડાબેરી પક્ષો, ખાસ કરીને ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) અને ભારતીય સામ્યવાદી પક્ષે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને કેરળમાં પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી લડી હતી.

ઉત્તર પ્રદેશના બહુજન સમાજ પક્ષ અને સમાજવાદી પક્ષો કોંગ્રેસ કે ભાજપમાં જોડાયા ન હતા.

ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય મુદ્દાઓ ન હતા. ભાજપના અને તેના સાથી પક્ષો સામે સત્તા વિરોધી ભાવના હતી.

13 મેના રોજ, ભાજપે હાર સ્વીકારી લીધી હતી.

543 માંથી 335 સભ્યોની બહુમતી કોંગ્રેસના ગઠબંધનને મળી હતી. ગઠબંધન યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) તરીકે ઓળખાતું હતું.

સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવા દરખાસ્ત થઈ હતી. સોનિયા ગાંધીએ તેનો ઇનકાર કરી દીધો હતો. ભૂતપૂર્વ નાણામંત્રી ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા હતા.

અર્થશાસ્ત્રી ડૉ. સિંઘે અગાઉ 1990ના દાયકાની શરૂઆતમાં નરસિમ્હા રાવ સરકારમાં હતા. તેમણે ભારતની પ્રથમ આર્થિક ઉદારીકરણ નીતિના આર્કિટેક્ટ હતા. ત્યારે રાષ્ટ્રીય નાણાકીય કટોકટીને દૂર કરવામાં મદદ કરી હતી.

15મી લોકસભા (2009)

મે 2009માં, 15મી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)ને લોકસભાનું નેતૃત્વ કરવાનો આદેશ મળ્યો હતો. શ્રીમતી મીરા કુમાર લોકસભાના સ્પીકર બન્યા અને વડા પ્રધાન મનમોહન સિંહને ફરીથી દેશના વડાપ્રધાન બન્યા હતા.

manmohan singh

16મી અને 17મી લોકસભાનો ઇતિહાસ બધા જાણે છે. તેથી તે અંગે બહુ લખવાનો મતલબ નથી.

16મી લોકસભા (2014) 

મનમોહન સિંહની સરકાર સામે સંઘની સાથે સંબંધો ખરાવતાં અન્ના હજારે અને અરવિંદ કેઝરીવાલ સહિત ઘણાં લોકોએ દિલ્હીમાં આંદોલન કર્યા હતા. જેમાં મનમોહન સિંહની હાર થઈ અને ભાજપની સાથે રહેલાં 45 પક્ષો સાથે નેતા નરેન્દ્ર મોદી ઘણાં વિવાદો વચ્ચે વડાપ્રધાન બન્યા હતા.

17મી લોકસભા (2019)

ફરીથી ભાજપ અને તેના 32 સાથી પક્ષોની જીત થઈ હતી. નરેન્દ્ર મોદીની સાથે જોડાયેલાં 32 પક્ષો સાથે ભાજપનો વિજય થયો હતો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા.

pm modi 1

18મી લોકસભા (2024)

16 માર્ચ 2024માં ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી છે. આ ચૂંટણીમાં મોદી લોકોના વિરોધનો સામનો કરી રહ્યા છે. મશીનથી મતદાન સામે વિરોધ આધા દેશમાં ચાલી રહ્યો હતો. વળી, ચૂંટણી ફંડ મેળવવામાં નરેન્દ્ર મોદીની સરકારે કરેલી ગેરરિતીઓ ચૂંટણી પહેલાં જાહેર થઈ છે. તેનો ખરાબ રીતે સામનો તેઓ કરી રહ્યાં છે. તેની સામે તેઓ રામ મંદિર અને કાશ્મિર રાજ્યને સ્વતંત્રતા આપતી 370 કલમ રદ કરવાનો મુદ્દો આગળ ધરીને મોદીની ગેરીંટી તરીકે ગણાવી રહ્યાં છે. તેની સામે ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. તેનું નેતૃત્વ કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પક્ષના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેઝરીવાલ કરી રહ્યાં છે. રાહલ ગાંધી 3 હજાર કિલો મીટર પગે ચાલીને કન્યાકુમારીથી કાશ્મીર યાત્રા કરી હતી. આવી યાત્રા એક પણ રાજકીય નેતાએ ભારતના ઇતિહાસમાં કરી નથી. મહાત્મા ગાંધી કે ચંદ્રશેખરે પણ આટલી લાંબી યાત્રા એકી સાથે કરી નથી. બીજા તબક્કામાં રાહુલ ગાંધી આસામથી મુંબઈ સુધીની ભારત જોડો યાત્રા કરીને રાજનીતિ કરી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement