For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

Gujarat: યુરિયાના અતિ વપરાશ થવાથી ગુજરાતના ખેતર બંજર બની રહ્યા છે, અનેક જાતના રોગો યુરિયાથી

03:35 PM Jul 01, 2024 IST | દિલીપ પટેલ
gujarat  યુરિયાના અતિ વપરાશ થવાથી ગુજરાતના ખેતર બંજર બની રહ્યા છે  અનેક જાતના રોગો યુરિયાથી

Gujarat: સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા વપરાશથી ખતરનાક પરિણામો આવી રહ્યા હોવાથી ચિંતા થઈ રહી છે. જમીન, પાણી, પર્યાવરણ અને આરોગ્યને ભારે નુકસાન યુરિયાનું થઈ રહ્યું છે.

Advertisement

તેની સામે લડવા માટે ગુજરાતે ત્રણ ટેકનિક આપી છે. ખેડૂતો પણ આ ત્રણ ટેકનિક અપનાવે એવી સરકાર વારંવાર અપીલ કરી રહી છે.

ગુજરાતમાં 18 ટકા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપવાની છે અને આ વર્ષના અંતમાં 30 ટકા ખેડૂતો રાસાયણિક ખાતર વગરની ખેતી કરતા થઈ જશે.

Advertisement

2015માં યુરિયા પર લીમડાનું પડ ચઢાવવું ફરજિયાત બનાવ્યું હતું. નીમ કોટ યુરીયા નીતિ અપનાવી છે. 2015-16માં ગુજરાતમાં યુરિયાનો વપરાશ 21 લાખ ટન હતો.

ગુજરાતના કલોલમાં ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) એ 2021 માં લિક્વિડ 'નેનો યુરિયા' શોધી કાઢ્યું હતું. નેનોપાર્ટિકલના રૂપમાં યુરિયા છે જે વાપરવાથી 50 ટકા વપરાશ ઓછો થાય છે.

2018માં વપરાશ ઘટાડવા 50 કિ.ગ્રા. થેલીના બદલે 45 કિ.ગ્રા. યુરીયાની બેગ બનાવી છે.

આમ ગુજરાતની આ ત્રણ સિદ્ધિઓથી ગુજરાતમાં યુરિયાનો વપરાશ અડધો થવાની શક્યતા છે. આવું વિશ્વમાં એક પણ દેશમાં કે પ્રદેશમાં થયું નથી.
હવે 2025ના અંતમાં ભારત યુરિયાની આયાત બંધ કરવાનું છે.
ખેતરોને હરિયાળા બનાવનારું નાઇટ્રોજન હવે પ્રદૂષણ બની ગયું છે

બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે,
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય એક સંશોધન પ્રમાણે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી. તેમાં હળદરનું ઉત્પાદન રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક કૃષિ દ્વારા બે ગણું વધુ થાય છે.

યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીન બિનઉપજાઉ અને કઠણ થઈ જાય છે. જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરતા નથી. તેથી અતિવૃષ્ટિ જેવી આફતો આવે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી થતી હોય તેવી જમીનમાં લાખો અળસિયાઓ કરોડો છિદ્રો બનાવે છે, તેથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. પાણીના તળ ઉપર આવે છે. આમ પ્રાકૃતિક ખેતી એ નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે.

યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન વાયુ રહેલો હોય છે, જે ખેતરમાં નાખવાથી નાઈટ્રોજન એ ઓક્સિજનના સંપર્કમાં આવવાથી નાઈટ્રસ ઓક્સાઇડ ગેસ બને છે જે કાર્બન ડાયોક્સાઈડથી 312 ઘણો વધુ ખતરનાક છે. જે ગ્લોબલ વોર્મિંગને વધારે છે.

દેવવ્રતએ રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ્સનો બેફામ ઉપયોગ સામે ચેતવણી આપતાં કહ્યું કે, જો આ જ રીતે ખેતી કરતા રહેવાથી બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓમાં વધારો થશે.

પ્રાકૃતિક ખેતી ગાય આધારિત, સરળતાથી અપનાવી શકાય તેવી, સસ્તી અને પર્યાવરણને અનેક ફાયદા કરાવનારી હોય છે. દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરથી તથા ખેડૂતના ઘરમાં ઉપલબ્ધ ગોળ અને બેસન જેવી ઘરેલુ સામગ્રીથી જ જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર થઈ જાય છે. દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરથી સૂક્ષ્મ જીવાણુઓની માત્રા વધે છે, જેનાથી ધરતી ફળદ્રુપ બને છે. અળસિયા અને મિત્ર કીટક ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધારે છે જેથી જમીનની ગુણવત્તા સુધરે છે.

રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ખેડૂતો સમૃદ્ધ થશે. ગુજરાત સરકાર, આત્મા પ્રોજેક્ટ્સ અને કૃષિ વિશ્વવિદ્યાલયો દ્વારા પ્રાકૃતિક કૃષિ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અપાઈ રહી છે. આજે ગુજરાતમાં 9 લાખ 50 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. 2024-25ના વર્ષે બીજા 10 લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.

જો આમ થશે તો 55 લખ ખેડૂતોમાંથી 20 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થઈ જશે. જો તેમ થશે તો ગુજરાતમાં યુરિયાનો વપરાશ છે તે અડધો કરીને ગુજરાતને બચાવી શકાશે.

યુરિયા એ સૌથી વધારે ખતરો પેદા કરી રહ્યું છે. કારણ કે તેનો વધારે પડતો વપરાશ થઈ રહ્યો છે. ખેતરમાં યુરિયા નાખવામાં આવે ત્યારે તેનો 33 ટકા જ છોડ માટે ઉપયોગ થાય છે. બાકીનું 66 ટકા યુરિયા ચેકડેમ, ખેત તળાવ, તળાવ, દુવા, નદી અને સમુદ્રમાં પહોંચે છે.

ગુજરાતમાં હવે યુરિયાથી ફાયદો થવાના બદલે નુકસાન થઈ રહ્યું છે.

ગુજરાતમાં યુરિયાનો વપરાશ
લાખ મેટ્રિક ટન ઉપયોગ
2012-13 - 19.24
2013-14 - 20.78
2014-15 - 22.7
2015-16 - 21.0
2016-17 - 20.6
2017-18 - 22.39
2018-19 - 21.03
2019-20 - 22.89
2020-21 - 24.23

બંજર જમીન
ગુજરાત એવા પાંચ રાજ્યોમાં સામેલ છે જ્યાં 50 ટકાથી વધુ જમીન રણીકરણ, બંજર અથવા ધોવાણનો શિકાર છે. વર્ષ 2018-19માં ગુજરાતની એક કરોડ 96 લાખ હેક્ટર જમીનમાંથી એક કરોડ બે લાખ હેક્ટર કરતાં વધારે જમીનનું રણીકરણ થઈ રહ્યું હતું, એટલે કે ગુજરાતની 52.22 ટકા જમીન રણમાં ફેરવાઈ રહી છે અથવા બંજર બની રહી છે. જેમાં રાસાણિક ખાતર અને દરિયો તથા રણ જવાબદાર છે.

યુરિયાએ ખેડૂતોને ઉપજમાં અનેકગણો વધારો કરીને ખુશ કર્યા હતા. તે યુરિયા હવે રડાવી રહ્યુ છે. હવે ઉપજ ઘટી રહી છે. જમીન ઉજ્જડ થઈ રહી હોવાની ફરિયાદો પણ વધી રહી છે. તેથી ખેડૂતો ખેત કરવાનું બંધ કરીને બીજી રોજગારી શોધી રહ્યાં છે.

ભારતમાં નાઈટ્રોજનની સ્થિતિનું પ્રથમ વખત મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. યુરિયાના વધુ પડતા ઉપયોગથી નાઈટ્રોજન ચક્રને ગંભીર અસર થઈ છે. તેનાથી પર્યાવરણ અને આરોગ્યને પણ નુકસાન થાય છે. અક્ષિત સંગોમાલા અને અનિલ અશ્વિની શર્માએ યુરિયાના તમામ પાસાઓની તપાસ કરી હતી.
એવું પ્રસ્થાપિત થયું છે કે, યુરિયા નાખવા છતાં ઉત્પાદન વધતું નથી. યુરિયા ખેડૂતો માટે સમસ્યા બની ગયું છે. યુરિયા ખેતરોનું જીવન બની ગયું હતું. હવે ખેતરનો પાક ઝેર બની રહ્યું છે.

કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ (1965-66) પછી સમગ્ર દેશમાં યુરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો. સરકારે 1966-67 દરમિયાન તમામ ખેડૂતોને યુરિયાનો ઉપયોગ કરવા સતત કહેતી રહી હતી. ખેતીમાં નફો વધે એવું કહેવામાં આવ્યું હતું. થોડા વર્ષો એવું થયું પણ ખરું. ખેડૂતોનું ઉત્પાદન બેથી ત્રણ ગણું વધ્યું પણ હતું.

ખેતરમાં છાણનું ખાતર નાખીને 400 કિલો ઉત્પાદન મેળવતા હતા, તે 1200 કિલો મેળવતાં થયા હતા.
ખેડૂતો માટે આ કેવો ચમત્કાર હતો, કે મોટાભાગના તે માની શકતા ન હતા.

સહકારી મંડળીઓમાંથી મેળવેલા યુરિયાને દર વર્ષે વધારતાં ગયા હતા. ગુજરાતમાં 1968માં સહકારી મંડળીઓથી ખાતર આપવાનું શરૂ કર્યું હતું. ત્રણ ગણી વધુ ઉપજ આવી ત્યારે અનાજના ગોડાઉન ભરાવા લાગ્યા હતા. વિદેશથી અનાજની આયાત બંધ થઈ હતી.

નાઈટ્રોજન છોડ માટે જરૂરી છે કારણ કે તે પોષક તત્વો વધારે છે. છોડ હરિતદ્રવ્ય અને પ્રોટીન સંશ્લેષણ દ્વારા તેમાંથી ખોરાક તૈયાર કરે છે. આ આવશ્યક પોષક તત્વો ડાયઝોટ્રોફ બેક્ટેરિયા દ્વારા કુદરતી રીતે જમીનમાં હાજર હોય છે. દાળના છોડના મૂળમાં ડાયઝોટ્રોફ બેક્ટેરિયા હોય છે. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછી કુદરતી હાજરી પુરતી રહી ન હતી.

વધતી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે અસમર્થ હતી. નાઇટ્રોજનને પૂરક બનાવવા માટે કૃત્રિમ ખાતરોની શોધ કરવામાં આવી હતી.

એકર દીઠ ચાર કિલોના બદલે 10 કિલો યુરિયા નાખ્યવા લાગ્યા હતા. પછી તે પ્રમાણ વધતું ગયું હતું.

બે ગણું ઉત્પાદન મળવા લાગતા, 1975 ની આસપાસ, ખેતરોમાં ત્રણથી પાંચ ગણું યુરિયા નાખવામાં આવતું હતું. ઉત્પાદન વધવા લાગતા ખેતરોમાં યુરિયાનો ઉપયોગ સતત વધારી રહ્યા હતા.

યુરિયાને સોનું માનીને નાંખતાં ગયા પણ ધીમે ધીમે ગુજરાતના ખેતરોને બંજર બનાવી દીધા છે. 1985 અને 1995 વચ્ચે પ્રતિ એકર 125 કિ.ગ્રામ યુરિયા વપરાવા લાગ્યું હતું. યુરિયા ઉમેરવાથી ઉપજમાં દસથી બાર ગણો વધારો થયો. વર્ષ 2000 પછી ઉત્પાદન નીચે જવા લાગ્યું હતું. એકર દીઠ 175 કિલો યુરિયા વાપરવા લાગ્યા હતા. હવે 12 ગણું એટલે કે, 250 કિલો યુરિયા નાખવા છતાં ઉત્પાદન મળતું નથી.

હવે યુરિયા વધવાથી ખેતરોની ઉપજ વધતી ન હતી પણ ઘટી રહી હતી. યુરિયાના વધારે ઉપયોગને કારણે કૂવા અને તળાવનું પાણી હવે પીવા લાયક રહ્યું નથી.

1995 થી ઉપજ સતત ઘટી રહી છે. ચાલીસ વર્ષથી યુરિયાના આડેધડ ઉપયોગથી ખેતરો ઉજ્જડ બની ગયા છે.

ફરી એકવાર ખેડૂતોએ તેમના ખેતરોમાં ગોબર વગેરે ખાતર નાખવાનું શરૂ કર્યું. આનાથી ઉપજમાં વધારો થયો નહીં પણ નુકસાન પણ ઘટ્યું. છાણનું ખાતર પણ સરળતાથી ઉપલબ્ધ નહોતું.

50 વર્ષ પછી યુરિયાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા સરકાર અપીલ કરી રહી છે. સરકાર યુરિયા પરની સબસિડી પણ ઘટાડી રહી છે. 2015-16ના બજેટમાં યુરિયા માટેની સબસીડી 72,438 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી, જે 2016-17 દરમિયાન ઘટાડીને 70,000 કરોડ રૂપિયા કરવામાં આવી હતી.

50 વર્ષમાં ખેડૂતોએ એક એકર ખેતરમાં લગભગ 7 હજાર કિલો યુરિયાનો ઉપયોગ કરીને લગભગ 5,337 ક્વિન્ટલ ઘઉં કે ચોખા મેળવી હતી.

નેનો યુરિયા
ગુજરાતે નેનો યુરિયા પ્રવાહી બનાવ્યું છે. તેની 500 મિલીની એક બોટલ યુરિયાની 45 કિલોની એક એક થેલી જેટલી છે. એક લિટર પાણીમાં 2-4 મિલી નેનો યુરિયા ઓગાળીને પાકના પ્રારંભિક વિકાસના તબક્કે નાઈટ્રોજનનો છંટકાવ કરાય છે. એક એકર જમીન માટે 125 લિટર પાણી પૂરતું છે. બે છંટકાવ પરતા હોય છે.
તે એક સારો વિકલ્પ છે.

બાળકોને અસર
નાઈટ્રોજન પ્રદૂષણ બાળકો માટે જોખમી છે. પીવાના પાણીમાં નાઇટ્રેટ્સ છ મહિના સુધીના બાળકોમાં બ્લુ બેબી સિન્ડ્રોમનું કારણ બની શકે છે. આ રોગથી પીડિત બાળકોના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે કારણ કે નાઈટ્રેટ હિમોગ્લોબિનની અસરમાં વિક્ષેપ પાડે છે. હિમોગ્લોબિન ઓક્સિજનનું વાહક છે. જેના કારણે બાળકોને વારંવાર ઝાડા થઈ શકે છે. તે શ્વસનને પણ અવરોધે છે. તે શાળાના બાળકોમાં હાયપરટેન્શન અને વધેલા બ્લડ પ્રેશરનું પણ કારણ બને છે.

સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 2 હજાર કરોડ ટન યુરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે નાઈટ્રોજનની ખરાબ અસરો પ્રકાશમાં આવવા લાગી છે.

વિજ્ઞાનીઓનું સંશોધન
ભારતમાં 120 થી વધુ વૈજ્ઞાનિકો દ્વારા પ્રથમ વખત નાઈટ્રોજન પ્રદૂષણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. નાઇટ્રોજન દેશના ઇકોલોજીને અસર કરે છે. ભારતમાં નાઇટ્રોજનનું મૂલ્યાંકન કરવા માટે 2004માં સોસાયટી ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (SCN)ની સ્થાપના કરી હતી. ભારતીય નાઈટ્રોજન જૂથમાં સામેલ આ વૈજ્ઞાનિકોએ તેમના મૂલ્યાંકનમાં કહ્યું છે કે છેલ્લા પાંચ દાયકામાં યુરિયાના બેફામ ઉપયોગને કારણે નાઈટ્રોજન પ્રદૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

2006 માં SCN ના ભાગ રૂપે ભારતીય નાઇટ્રોજન જૂથ (ING) ની રચના કરવામાં આવી હતી. 120 વૈજ્ઞાનિકો જોડાયા. નાઈટ્રોજનનો સ્ત્રોત શોધવા માટે, કૃષિ, બાગાયત, મત્સ્યપાલન, મરઘાં અને પશુઓ ઉપરાંત, તેમણે ભારતમાં ઝડપથી વિકસતા પરિવહન ક્ષેત્રમાં સંશોધન કર્યું હતું.

સરકારની મદદ વગર આ વિજ્ઞાનીઓએ વ્યાપક સંશોધન કર્યું હતું. ભારતીય નાઈટ્રોજન મૂલ્યાંકન નામનું સંશોધન પ્રકાશન ઓગસ્ટ 2017માં એલ્સેવિયર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેમાં સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

ભારતમાં પર્યાવરણ પર નાઇટ્રોજનની અસરનું મૂલ્યાંકન કરનાર અમેરિકા અને યુરોપિયન યુનિયન પછી ત્રીજો દેશ બન્યો છે. મૂલ્યાંકન દર્શાવે છે કે ભારતમાં નાઈટ્રોજન પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત કૃષિ છે. આમાંનો મોટા ભાગનો નાઈટ્રોજન ખાતરોના વધુ પડતા ઉપયોગથી આવે છે, એવું સંશોધનમાં બહાર આવ્યું છે. દેશમાં જે કંઈ નાઈટ્રોજન બને છે તેમાં 84 ટકા ખેતરોમાંથી આવે છે.

1960-61માં કુલ નાઈટ્રોજન ખાતરમાં યુરિયાનો હિસ્સો 10 ટકા હતો. 2015-16માં વધીને 82 ટકા થયો હતો. ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઈન્ડિયા (FAI)ના ડેટા અનુસાર, ભારતમાં દર વર્ષે 148 લાખ ટન યુરિયાનો વપરાશ થાય છે. કારણ કે તે સસ્તુ ખાતર છે.

યુરિયાએ દેશમાં અનાજમાં સ્વનિર્ભર બનાવ્યા છે. હવે તે આફત બની ગયું છે.

વધુ પડતો ઉપયોગ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે જેને નિયંત્રિત કરવાની જરૂર છે. જમીન પણ યુરિયાની લતમાં લાગી ગઈ છે.

ભારતમાં એમોનિયાનું સૌથી વધુ ઉત્સર્જન કરનારા પશુઓ છે. કુલ ઉત્સર્જનમાં પશુઓનો ફાળો 79.7 ટકા છે. એમોનિયા એરોસોલ્સ દ્વારા પર્યાવરણને અસર કરે છે અને શ્વસન રોગોનું કારણ બને છે. તે જમીનને એસિડિક બનાવે છે. તેથી ઉત્પાદન ઓછું થાય છે.

દેશ અનાજમાં આત્મનિર્ભર બન્યો પરંતુ માણસોનું શરીર નબળું પડી ગયું છે.

યુરિયાના વધુ પડતા ઉપયોગથી અનાજમાં પોટેશિયમનું પ્રમાણ ઘટી જાય છે. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની સાથે પોટેશિયમ હૃદયને પણ સ્વસ્થ રાખે છે. દેશભરમાં બ્લડ પ્રેશર અને હૃદયના દર્દીઓની સંખ્યામાં જે ઝડપથી વધારો થયો છે તે વાસ્તવમાં હરિયાળી ક્રાંતિનું પરિણામ છે.

યુરિયાથી અનાજનું ઉત્પાદન વધી ગયું પણ કઠોળનું ઘટી ગયું છે. કઠોળથી પ્રોટીન મળે છે. પણ તે મોંઘા પેદા થવાના કારણે લોકોએ તે ખાવાનું ઓછું કરી દીધું છે. તેની ઉણપને કારણે કુપોષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. કુપોષણના કારણે ક્ષય રોગના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

ભારતમાં 370 લાખ હેક્ટરમાં ચોખા અને 261 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. યુરિયા ખેતરમાં નંખાય છે તેનો માત્ર 33 ટકાનો ઉપયોગ કૃષિ પાક કરે છે. બાકીના 67 ટકા જમીનમાં રહે છે.

જે કુવો, તળાવ, ચેકડેમ, નદી, સમુદ્ર અને આસપાસના વાતાવરણમાં પહોંચે છે, જે પર્યાવરણ અને આરોગ્યને અસર કરે છે.

નાઇટ્રોજન પ્રદૂષણ તરીકે નાઈટ્રેટના રૂપમાં તે પાણીને પ્રદૂષિત કરે છે.
નાઈટ્રેટ્સ જમીનની સપાટી પર ઓગળી જાય છે. પાણીના પ્રવાહ સાથે, તળાવો, માછલીના તળાવો, નદીઓ અને અંતે સમુદ્ર સુધી પહોંચે છે. ઇકોલોજીને નુકસાન પહોંચાડે છે. તેથી જૈવવિવિધતાને ભારે નુકસાન થાય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ ઘાસ, શેવાળ અને કોરલ રીફને નુકસાન પહોંચાડે છે.

ખેતરોમાં યુરિયા નાખવાથી તેની અસર છોડને થાય છે, આ છોડ પર મધમાખીઓ પાકના ફૂલો પર બેસતી નથી. પતંગિયા અળસિયા, કરચલાં વગેરે ખેતરોમાંથી ગાયબ થઈ ગયા છે. નદીમાંથી માછલી પણ ગાયબ થઈ ગઈ છે. નદીઓમાં યુરિયા વહન થાય છે.

નાઈટ્રેટ ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહ્યું છે. આ પ્રદૂષણ પાચન, કાર્ડિયો-રેસ્પિરેટરી ઇફેક્ટ, પેટનું કેન્સર અને બ્લુ બેબી સિન્ડ્રોમના રૂપમાં શિશુઓને અસર કરે છે.

21 રાજ્યોમાં 387 જિલ્લાના ભૂગર્ભજળમાં નાઈટ્રેટ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા નિર્ધારિત ધોરણો (45 મિલિગ્રામ પ્રતિ લિટર) કરતાં વધી જાય છે. કુવાઓ અને તળાવોનું પાણી પીવા માટે અયોગ્ય બની ગયું છે. કૂવા અને બોરવેલના પાણીમાં નાઈટ્રેટની સાંદ્રતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધારે છે.

23 મેટ્રોપોલિટન શહેરોમાં નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતા છે.

ઓઝોન પ્રદૂષણના કારણે વીજળી પડવાના બનાવો વધી રહ્યા છે

કૂવાના પાણીમાં નાઈટ્રેટની સરેરાશ હાજરી 99.5 મિલિગ્રામ પ્રતિ લિટર છે. જ્યારે WHO દ્વારા નિર્ધારિત મર્યાદા 50 મિલી ગ્રામ પ્રતિ લિટર છે. કૂવાના પાણીમાં નાઈટ્રેટનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.

નાઈટ્રોજન પ્રદૂષણ જમીનના સ્વાસ્થ્યને અસર કરે છે પરિણામે પાકની ઉપજમાં ઘટાડો થાય છે. ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને બિન ઉત્પાદક બનાવે છે. લાંબા સમય સુધી જમીનમાં કાર્બનનું પ્રમાણ ઘટે છે જે તેના સ્વાસ્થ્યને અસર કરે છે.

યુરિયાના સતત ઉપયોગને કારણે અમારા ખેતરોની જમીનની ફળદ્રુપતા સંપૂર્ણપણે નાશ પામી છે.

વિશ્વના કયા ભાગ નાઇટ્રોજન ચક્રના ભંગાણ માટે સૌથી વધુ સંવેદનશીલ છે?

આવનારા વર્ષોમાં જીવન ચક્ર ખરાબ બનશે.

નાઇટ્રોજન ચક્ર
કોરલ રીફ નાઈટ્રોજન ચક્રના ભંગાણ માટે અત્યંત સંવેદનશીલ છે.

આગામી વર્ષોમાં નાઈટ્રોજન ચક્ર વધારે ખતરનાક બનવાનું છે. કારણ કે યુરિયાનો વપરાશ રાતો રાત ઘટવાનો નથી. તે વધવાનો છે. ખાતરનો ઉપયોગ 2050 સુધીમાં બમણો થઈ જશે.

દરિયામાં મૃત કોસ્ટલ વિસ્તાર વધશે, જેની અસર માછલીઓને થશે.
તળાવો, ખેતર, નદી, સમુદ્રમાં શેવાળ વધશે.
પીવાના પાણીની ગુણવત્તાને અસર થશે.
જૈવવિવિધતાને પણ અસર થશે.

જંગલોમાં વનસ્પતિ અને એપિફાઇટ્સને અસર થશે. એપિફાઇટ્સ ઝાડ પર ઉગે છે. જે સેવાળ જેવી હોય છે. તે પ્રભાવિત થશે.

જમીનને એસિડિક બનતા ઝેરી ભારે ધાતુઓ વધી શકે છે. જેના કારણે પીવાના પાણીની ગુણવત્તા બગડી શકે છે.

એમોનિયમ નાઈટ્રેટ કણો માનવ સ્વાસ્થ્યને પડકારશે. નાઈટ્રસ ઓક્સાઇડ (N2O) અને અન્ય નાઈટ્રોજન પ્રતિક્રિયાઓ વૈશ્વિક તાપમાન વધારી શકે છે.

યુરિયાથી નાઈટ્રસ ઓક્સાઇડ (N2O) ગ્રીનહાઉસ ગેસ પણ છે. ભારતમાં નાઇટ્રસ ઓક્સાઇડના ઉત્સર્જનમાં ખાતરનો મોટો ફાળો છે.
2010માં ભારતમાં કૃષિમાંથી કુલ નાઈટ્રસ ઓક્સાઇડનું ઉત્સર્જન 1.4 લાખ ટન હતું.

1950માં વાર્ષિક ઉત્સર્જન 60 ગીગા ગ્રામ પ્રતિ હતું. 2010માં વધીને 300 ગીગા ગ્રામ પ્રતિ વર્ષ થયું છે.

ભારતમાં નાઈટ્રોજન પ્રદૂષણનો બીજો સૌથી મોટો સ્ત્રોત ગટર અને કાર્બનિક ઘન કચરો છે. ઔદ્યોગિક અને ઘરેલું ગટરમાંથી નાઇટ્રોજનના રિસાયક્લિંગ દ્વારા 40 ટકા ખાતર બચાવી શકાય છે.

પૃથ્વી પર નાઈટ્રોજનની મર્યાદા વટાવી દીધી છે.

ખાતરો દ્વારા વૈશ્વિક સ્તરે કૃત્રિમ નાઇટ્રોજન જૈવિક નાઇટ્રોજન ફિક્સેશન (BNF) ને વટાવી ગયું છે.
નાઈટ્રોજન ખાતરોનું રેશનિંગ શરૂ કરવું પડશે.

નાઈટ્રોજનના ઉપયોગને નિયંત્રિત કરવું પડે તેમ છે.

1991માં અન્ય ખાતરો પરથી તેનું નિયંત્રણ દૂર કર્યું હતું. પરંતુ યુરિયાને હજુ પણ સંપૂર્ણ રીતે નિયંત્રિત છે. સરકાર તેના ઉત્પાદન, આયાત અને વિતરણને નિયંત્રિત કરે છે.

ખેડૂતો ખાતરનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ પાક ખાતરોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી, તેથી તેઓ નાઈટ્રોજન પ્રદૂષણમાં ફાળો આપે છે. મોટા ભાગનું પ્રદૂષણ અનાજમાંથી આવે છે, જ્યારે ચીન જેવા અન્ય દેશોમાં બાગાયતી પાકો અને રોકડિયા પાકો સૌથી વધુ ફાળો આપે છે. યુરોપમાં આને કારણે મોટાભાગનું પ્રદૂષણ ચારા, પશુઓ અને પશુપાલનથી થાય છે.

નીમ કોટેડ યુરિયા જ યુરિયાનો એકમાત્ર સ્ત્રોત હશે તેવો આદેશ આપવામાં આવ્યો છે. યુરિયાની થેલીઓની સાઈઝમાં પણ દસ ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement